July 10, 2020
Breaking News

સરસ મજાની વાર્તા

એક ગામ હતું. સરસ મજાનું સમૃદ્ધ ગામ!ત્યાં ઘણા લોકો રહેતા હતા. એ ઘણા લોકો માં બે પડોશીઓ હતા, છગનભાઈ અને મગનભાઈ. બંનેના પરિવાર ની સંખ્યા પણ સરખી હતી. હવે આ છગન ભાઈની એક બહુ ખરાબ ટેવ હતી, મગન ભાઈ જે કાઈ પણ કરે અથવા કરવાનું નક્કી કરે એટલે છગન ભાઈ પણ તેમની નકલ કરે.મગનભાઈ નવું સ્કુટર લાવવાનું નક્કી કરતા હતા તો છગન ભાઈ પણ લઇ આવ્યા. મગનભાઈએ આંગણામાં લીમડો વાવ્યો તો છગન ભાઈએ પણ વાવ્યો. મગનભાઈ નવી જમીન લેવાની વાતો કરતા હતા અને છગન ભાઈએ પણ જમીન માટે શોધ શરુ કરી દીધી. તેમના ઘરની વચ્ચે ફક્ત એક દીવાલ હતી અને છગનભાઈના કાન એ દીવાલને અડીને જ રહેતા, વાતો સાંભળવા! ગામમાં બધા વાતો કરે કે આ જબરા નકલખોરલોકો છે! એક બીજાની નકલ જ કરતા હોય છે…. હવે નકલ તો છગન ભાઈ કરતા હતા, મગન ભાઈએ તો બસ એમનેમ જ સાંભળવાનું થતું હતું… હવે મગનભાઈ પણ કંટાળ્યા. તેમણે નક્કી કર્યું કે છગનભાઈને પાઠ ભણાવવો જોઈએ. દિવાળી નજીક હતી અને છગનભાઈના કાન સવળા થઇ ગયા હતા. નવી દિવાળીએ મગનભાઈ ના ઘરે શું થવાનું છે તે સાંભળવા માટે તેમના કાન હવે એ વચ્ચેની દીવાલે જ ચોંટેલા રહેતા હતા. હવે મગનભાઈ ના મગજમાં પણ વિચાર આવ્યો કે આજ સમય છે પાઠ ભણાવવાનો. દિવાળીની આગલી રાત્રે મગનભાઈ બાજુના ઘરે સંભળાય તેમ જોર થી બોલ્યા, “બાળકો, તમને ખબર છે આજે કેવું શુભ નક્ષત્ર છે! આજે જો આપણે આપણું નાક કાપીને ઊંઘી જઈએ તો દિવાળી પર નવું નાક ઉગે…. તો આજે આપણે બધા નાક કપાવીને ઊંઘીશું અને કાલે નવા નાકે દિવાળી કરીશું. તો ચાલો બધા આવી જાઓ નાક કપાવવા. ” એમ કહીને મગન ભાઈએ બાળકોને સમજાવી દીધું કે હું કહું એટલે જોર થી બુમ પાડવાની કે “ઓ….માડી મારું નાક!” થોડી થોડી વારે મગનભાઈના બાળકો અને પત્ની બધાએ ખોટી ખોટી બુમો પાડી અને થોડી વાર પછી બત્તીઓ બંધ કરીને સુઈ ગયા.હવે વારો હતો છગનભાઈ નો, તેમને પણ જબરદસ્તી પોતાના બાળકો અને પત્નીના નાક કાપ્ય અને પોતાનું નાક પણ કાપ્યું. બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો છગનભાઈનું કે પરિવારમાં કોઈનું પણ નાક તો ઉગ્યું જ નહોતું! તે તો ગયા સીધા જ પડોશીઓ નું નાક જોવા, બધાના નાક પહેલા જેવા જ હતા.અને સમજી ગયા કે મગન ભાઈ રમત કરી ગયા, વગર નાકની દિવાળી થઇ ગઈ! આ સાથે જ તેમને વાળ લેવાનું પડતું મુક્યું!~~~આ અને આવી ઘણી બધી વાર્તાઓ મને મારા પપ્પા, મમ્મી અને બા(દાદી) કહેતા હતા….મોટા ભાગે તો બા જ વાર્તાઓ કહેતા હતા, પણ અત્યારે બસ એ વાર્તાઓ ના થોડા થોડા ટુકડાઓ જ યાદ છે.એ વાર્તાઓ શોધવાના પણ ઘણા પ્રયત્નો કર્યા પણ મળી નહિ…. એ સિવાય બાદ વાર્તાઓ ની ઘણી બધી બુક્સ પણ હું વાંચતો હતો, હજુ પણ એ બધી બુક્સ સરસ હાલતમાં મારી જોડે સચવાયેલી જ છે અને ઈચ્છા થાય ત્યારે વાંચી પણ લઉં છું. એ વાંચેલી બુક્સમાં “પંચતંત્રની વાર્તાઓ”, “અકબર બીરબલની રમુજી વાતો”, “સિહાંસન બત્રીસી”, “જાતક કથાઓ”, “હિતોપદેશ” અને “ઈસપની બાદ વાર્તાઓ” નો સમાવેશ થાય છે. જેમાં “હિતોપદેશ” ને હું એ સમયે ખરેખર એક દેશ માનતો હતો!!  હવે બાએ કહેલી વાર્તાઓની વાત કરું તો એક દરજી અને રાજાની વાર્તા હતી, જે મેં ઘણી જગ્યાએ સર્ચ કરી છતાં મળી નથી. (કોઈને ખબર હોય તો લિન્ક આપજો તે સિવાય “ચકલી અને ભેંસ”, “ચકલી અને રાજા”, “બિલાડી અને વાંદરો”, “વાંદરો અને મગર” જેવી વાર્તાઓ તો ઇઝીલી મળી જ જતી હોય છે. હવે આ પોસ્ટ મેં કેમ લખી એનું તો કઈ સ્પેસિફિક રીઝન નથી, બસ ઈચ્છા થઇ ગઈ અચાનક જ લખવાની તો લખી દીધું. હવે કોઈ બાળવાર્તાઓનો બ્લોગ સર્ચ કરવો પડશે… ક્યાંક તો મળી જ જશે, નહિ તો હવે એનીમેટેડ મુવીઝમાં પણ એવી જ મજા આવે છે તો જોઈ લઈશું બે-ચાર તમારી કોઈ મોસ્ટ-ફેવરીટ બાળ-વાર્તા હોય તો કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરો… મને હવે બહુ ઈચ્છા થઇ ગઈ છે કોઈ નવી(કે જૂની) સ્ટોરી વાંચવાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *