July 4, 2020
Breaking News

પાવાગઢવાળી મહાકાલી માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો

ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ.
પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્‍થળ પણ ખરું. પાવાગઢના મહાકાળીના માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્‍થાનક નયનરમ્‍ય છે.
પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર. કહેવાય છે કે, વનરાજ ચાવડાએ મહામંત્રી ચાંપાની સ્‍મૃતિરૂપે આ નગર વસાવેલું. રાવળકુળનું પતાઈ કુટુંબ ત્‍યાં રાજ કરે ને સરહદ સાચવે. લોકકથા કહે છે કે, પાવાગઢ પર જેનું થાનક છે તે મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઊતર્યાં. છેલ્‍લા પતાઈ જયસિંહે તેમના પર કૃર્દષ્ટિ કરી ને દેવીએ તેને શાપ દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના-અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર ચઢાઈ કરીને ગઢ જીતી લીધો. પતાઈ હાર્યો-મરાયો. બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી.

મનવાંછિત ઉચ્‍ચપદની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્‍થાન પાવાગઢ છે. મંત્ર, તંત્ર, જાપ અનુષ્‍ઠાન દ્વારા પૂર્ણ મનોકામનાની અનુભૂતિ કરનારું અનેક સંત મહંત વિવિધ ટૂંક પર, ગિરિ કંદરાઓમાં સ્‍થાન મેળવી સિદ્ધિ પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગે આગળ વધી રહ્યા છે.

જગત જનની મા કાલિકા ભવાનીનું આ પવિત્ર સ્‍થાન શ્રદ્ધાળું ભક્તોની મનોકામના પૂર્ણ કરવા જાણીતું છે. માનવ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ માટે તેમજ ઝડપી સફળતા પ્રાપ્‍ત કરવા શ્રી કાલી મંત્રને શ્રેષ્‍ઠ ગણવામાં આવ્‍યો છે. દર વર્ષે લાખો યાત્રિકો આ પવિત્ર સ્‍થળની મુલાકાત લે છે.

શક્તિપીઠ હોવાના કારણે મંદિરમાં મુખ્‍ય સ્‍થાને ગોખ પ્રસ્‍થાપિત કરાયો છે. મૂર્તિ નહીં. અને કાલિકા યંત્રની પૂજા અર્ચના થાય છે. ગોખ મધ્‍યસ્‍‍થાને પ્રસ્‍થાપિત કરાયો છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી સ્‍વયં મૂર્તિ સ્‍વરૂપે, ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી અને ડાબે મહાલક્ષ્‍મી માતાજીની મૂર્તિ છે.

જૈનધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ રમણીય, દર્શનીય પર્વત અતિ પવિત્ર તીર્થધામ એટલે કે ‘સિદ્ધક્ષેત્ર‘ તીર્થ તરીકે પૂજાય છે. જે જે પવિત્ર સ્‍થળોએ તીર્થંકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાધ્‍યાયો કે ગણધર નિર્વાણ-મોક્ષનીગતિને પામ્યા તે સૌ સ્‍થળ અતિ પવિત્ર તીર્થધામ બનવા પામ્યાં છે. આ સિદ્ધક્ષેત્ર તીર્થની મહત્તા ધારણ કરીને અતિ મહત્‍વના તીર્થક્ષેત્રો તરીકે પૂજાવા લાગ્‍યા. શ્રી દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર મંદિરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ થયેલા છે. જેમાંના સાત મંદિર પહાડની સૌથી ઊંચી મૌલિયા ટુંક દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના નગારખાનાવાળી સાંકડી મેદાની ટૂંક પર નિર્માણ પામ્યા છે. આ મંદિરોમાંથી ત્રણ મંદિર દુધિયા સરોવરના કિનારે છે. 7મા તીર્થંકર પ્રભુ 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે. જેમાં મૂળ નાયક તરીકે સાતમા તીર્થંકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ દિશામાં બિરાજમાન છે. મૂળ બાવન જિનાલયને બાંધણીનો આકાર ધરાવતું સેંકડો વર્ષ પુરાણું આ મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવ કિનારે ઊભું? છે.

લવકુશના ચરણ પાદુકાનું દિગંબર જૈન મંદિર દહેરી જે ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ યાને અનંગલવણ અને મદનકુશ દીક્ષાગ્રહણ કરીને આ સ્‍થળે મોક્ષ ગતિને પામ્યા હોઈ તેમની ચરણ પાદુકાઓને આ નાનકડા મંદિર (દહેરી)માં સ્‍થાપિત કરવામાં આવી છે.

પ્રમુખ શક્તિપીઠ

પ્રજાપતિ દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં બ્રહ્માંડના અનેક દેવતાઓને આમંત્રણ હતું પરંતુ પૂર્વગ્રહના કારણે પુત્રી સતિ તેમજ જમાઈ દેવાધિદેવ શિવજીને આમંત્રણ ના પાઠવતાં સતીજી કોપાયમાન થયાં. પિતૃગૃહે અનાદર થતાં સતીએ દેહ યજ્ઞવેદીમાં હોમી દીધો. ભયંકર હાહાકાર મચ્યો. કોપિત શિવજીએ સતીદેવીના નશ્વર દેહને યજ્ઞવેદીમાંથી ઉપાડી તાંડવ નૃત્ય સહારે પરિભ્રમણ આરંભ્યું. નાશ થવાના ડરે દેવતાઓ વિષ્‍ણુની પાસે ગયા. તેઓએ સુદર્શન ચક્ર વડે સતીના નશ્વર દેહને અનેક ટુકડાઓમાં વિભાજિત કરતાં પૃથ્વીના જે સ્‍થાન પર પડ્યા તે તમામ મહાન શક્તિપીઠ તરીકે ખ્‍યાતિ પામ્‍યા. ભારતની બાવન અગ્રણી શક્તિપીઠોમાં પાવાગઢ પ્રમુખ શક્તિપીઠ છે. સતીના જમણા પગની આંગળી આ પવિત્ર સ્‍થાન પર પડી હતી.

પાટણ અને અમદાવાદ સાથે જેને ગુજરાતની થોડો સમય પણ રાજધાની બનવાનું સદ્દભાગ્‍ય મળ્યું હતું તે ચાંપાનેર મહંમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્‍દુ-મુસ્લિમ સ્‍થાપત્‍યો છે. પાવાગઢ ડુંગરની તળેટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *