November 28, 2020
Breaking News

કોરોના કેરમા નારી શક્તિનુ સુત્ર પુરુ પાડે છે આ નારી

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં

કોરોના સંક્રમિત થયાં અને અધૂરા માસે બાળ જન્મની ફરજ પડી તો સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકમાં પોતાના બાળકની જરૂરિયાત કરતાં વધારાના દૂધનું ૫૩ દિવસ સુધી દાન કર્યું

હાલ કાંગારુ કેર પદ્ધતિ હેઠળ પોતાની વ્હાલી દીકરીને હસતા મુખે ઉછેરી રહ્યાં છે

રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આદિકાળથી નારી શક્તિની માતૃ શક્તિ તરીકે વંદના કરવામાં આવી છે. નારી તું નારાયણી અને નારી કભી ના હારી જેવી કહેવતોથી માતાની તાકાતનું ગૌરવ કરવામાં આવ્યું છે. વડોદરામાં સરકારી હોસ્પિટલના નર્સ તરીકે કાર્યરત કાનન સૌરવ સોલંકીએ કોરોના સંકટ કાળમાં સગર્ભા હોવા છતાં કોરોના વોર્ડમાં નિર્ભયતાપૂર્વક દર્દીઓની સારસંભાળ,કોરોના સંક્રમિત થઈને અધૂરા માસે બાળ જન્મ છતાં નાસીપાસ થયાં વગર બાળ જન્મ અને પોતાના બાળકને ધાવણ આપ્યાં પછી વધારાના દૂધનું માતૃ દૂધ બેંકમાં દાન કરવાની જે ત્રિવેણી સંગમ જેવી વીરતા બતાવી છે એના માટે કહી શકાય કે નારાયણી નારી તું કભી ના હારી.

રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માં અંબાના ભક્તિ પર્વ નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનો આદ્ય ઉત્સવ ગણાવ્યો છે.તેવા સમયે બહેન કાનનની આ કથા નારી શક્તિની પ્રબળતા અને કટોકટીમાં ધૈર્ય ગુમાવ્યા વગર સંઘર્ષ કરવાની ક્ષમતાની પ્રતિતી કરાવે છે.સેવા અને માતૃ સ્નેહનો સુભગ સમન્વય જોઈ આવી વીર નારીઓને આદરપૂર્વક નત મસ્તકે વંદન કર્યા વગર રહી શકાતું નથી.

એટલે જ સયાજી હોસ્પિટલ પરિવાર પોતાની આ વીર નારીને માત્ર કોરોના વોરિયર નહિ ત્રિદેવી યોદ્ધાનું વ્હાલભર્યું ઉપનામ આપ્યું છે.અને સાવ નબળાં શરીરે અને અધૂરા માસે જન્મીને માતાની તાકાતથી જીવન જીવવા માટે સંઘર્ષ કરતી બાળકી ગ્રિવાને સાંકળી લઈએ તો આ માં દીકરી ચતુર્ભુજ દેવીથી કમ નથી એવી પ્રતિતી થાય છે. આ કથાની નાયિકા કાનન સોલંકી સયાજી હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષથી સ્ટાફ નર્સ તરીકે સેવા આપે છે.તેમના પતિ સૌરવ દવા કંપનીના કર્મચારી છે.આ દંપતી લગ્નના વર્ષો થવા છતાં સંતાન સુખ થી વંચિત હતું.એટલે તેમણે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિનો આશ્રય લીધો અને કુદરતે સાથ આપતાં કાનન બેન સગર્ભા થયાં. ઘટના પર વધુ પ્રકાશ પાડતા સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ જણાવ્યું કે માર્ચ મહિનાથી કોવિડ મહામારીની કટોકટી શરૂ થઈ. કાનને ધાર્યું હોત તો મહામૂલા ગર્ભની રક્ષા માટે તે રજા લઈ શકી હોત અથવા અન્ય બિન જોખમી વોર્ડમાં ફરજ માંગી શકી હોત.
પરંતુ આ વિર નારીએ દર્દીઓની સેવાને અગ્રતા આપીને કોવિડ વોર્ડમાં જ ફરજો બજાવવાનું સ્વીકાર્યું અને ગર્ભાવસ્થાના સાતમા મહિના સુધી અવિરત ફરજો બજાવી અને પોતાના ગર્ભમાં રહેલા બાળકને પણ સાચવ્યું.
જો કે ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયાં. લક્ષણો ખૂબ આછા હતા એટલે હોમ કવોરેન્ટાઇન થઈ નિર્ધારિત સારવાર લેવાનું શરૂ કર્યું.જાતે નર્સ હોવાથી કેવી કાળજી રાખવી એનું તેમને જ્ઞાન હતું. તેવામાં એક અણધારી મુશ્કેલી સર્જાઈ. પ્લેસેંટા રપચર થવાથી ગર્ભજળનો સ્ત્રાવ શરૂ થયો.કાનનને આ ઘટનાની ગંભીરતાનું ભાન હતું જ. તેમણે તુરત જ ખાનગી તબીબનો સંપર્ક કર્યો જેમણે કોવિડ નો ચેપ હોવાથી સયાજી હોસ્પિટલની મદદ લેવા સલાહ આપી. અને સયાજી હોસ્પિટલ તો સ્ટાફ નર્સ કાનન માટે પિયર સમાન હતી.
કાનનને દાખલ કરીને ગાયનેક વિભાગના વડા ડો.ગોખલે અને ડો.સોનાલી ની ટીમે સ્થિતિની ગંભીરતા જોઈને અધૂરા માસે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવાનો સમય સૂચક નિર્ણય લીધો.આ સ્થિતિને ખૂબ સારી રીતે સમજતી કાનને પોતાના બાળકને બચાવવાના આ એકમાત્ર ઉપાય માટે સંમતિ આપી.
ડો.ગોખલે અને ડો.સોનાલી ની ટીમે ખૂબ સાવચેતી સાથે પ્રસૂતિ કરાવી અને માત્ર એક કિલોગ્રામ જેટલું વજન ધરાવતી,ખૂબ નબળી બાળકીનો અધૂરા માસે સલામત જન્મ થયો. આ બાળકીને જીવતી રાખવા પ્રથમ ૧૫ દિવસ વેન્ટિલેટર કેર હેઠળ રાખવી અનિવાર્ય હતી.એટલે માતા માટે આ વ્હાલની પોટલીને સ્તનપાન કરાવવું શક્ય ન હતું.બ્રેસ્ટ મિલ્ક પંપ ની મદદથી માતાનું દૂધ વાટકીમાં એકત્ર કરી માસૂમને પ્રથમ ધાવણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું

બાળકોના નિષ્ણાત તબીબો ડો.શીલા ઐયર, ડો. શ્વેતલ પરીખ અને ડો.નવાઝ પટેલે આવા અધૂરા માસે જન્મેલા,સાવ ઓછું વજન ધરાવતા અને નબળાં શિશુઓને સાચવવાની કાંગારુ કેર સહિતની તમામ અદ્યતન પરંપરાઓનો વિનિયોગ કર્યો.અને ગ્રિવાનું નામ પામેલી આ નવજાત બાળકીમાં જીવનની ચેતના સંવર્ધિત કરી.કાંગારુ કેર એ આ નામના વિદેશી પ્રાણીમાં નવજાત બાળકને સાચવીને ઉછેરવાની, માતાના શરીર સાથે જોડાયેલી કોથળી જેવી કુદરતી રચના આધારિત પદ્ધતિ છે.કાંગારુ માતાના દેહ સાથે કોથળીમાં રહેલું બચ્ચુ સતત જોડાયેલું રહે છે અને માતાના શરીરની લાગણીભરી ઉષ્મા તેના ઊછેરને પ્રોત્સાહિત કરે છે.કાંગારુ કેરમાં એ રીતે જ માનવ માતાના હૃદય સાથે એક કોથળીમાં નવજાત બાળકી ને છાતી સરસી રાખવામાં આવે છે અને આ રીતે તેના ઉછેરને વેગ મળે છે. અહીં એક સુખદ ઘટના એ પણ બની કે કાનન જ્યારે કોઈ કારણસર ગ્રીવાને કાંગારુ કેર ન આપી શકે ત્યારે તેની સાથી નર્સ બહેનો કાંગારુ કેર આપી માતૃત્વનો લ્હાવો લેતી.

માતાની મમતા અવિભાજીત રહેતી નથી એ પોતાના અને અન્યના સંતાનોમાં સતત વહેંચાતી રહે છે.કાનન ના કિસ્સામાં પણ એવું જ થયું.એની બાળકી ને જરૂર હોય તે કરતા વધુ ધાવણ આવતું હતું.એટલે કાનને વધારાના દૂધનું સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકને રોજરોજ દાન આપવાનું શરૂ કર્યું. એણે લગભગ ૫૩ દિવસમાં ૯.૨૩ લિટર જેટલું જેની કોઈ કિંમત ન આંકી શકાય એવું અમૂલ્ય માતૃ દૂધ બેંકમાં જમાં કરાવ્યું જે માતાની મમતા રૂપે આવા દૂધની જરૂર વાળા નબળાં,અધૂરા માસે જન્મેલા બાળકોમાં જીવન શક્તિ રૂપે વહેંચાયું.કાનન આ માતાના દૂધની બેંકની સહુથી વધુ ધાવણ દાન આપનારી દાતા બની છે. કાનન અને તેની નવજાત બાળકીને ૫૩ દિવસની મેરેથોન સારવાર સયાજીમાં મળી છે.આજે બંને સ્વસ્થ છે.

મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ કોરોના સંકટમાં આરોગ્ય તંત્રે સાવ અજાણી અને અણધારી બીમારી સામે લડીને લોકોની જીવન રક્ષાનું અદભૂત કૌવત બતાવ્યું છે.આ કૌવતથી જ સયાજી હોસ્પિટલમાં કોરોના પીડિત કાનનની ગ્રીવાને કટોકટીના સંજોગોમાં સલામત જન્મ આપવાની સુખાંત કથા આલેખી શકાઈ છે.કાંગારુ થેલીમાં કાનન ને છાતી સરસી ચિપકેલી ગ્રીવા અને તેની માતાનું સસ્મિત વદન નારાયણી નારી કભીના હારીનો પ્રેરક સંદેશ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *