કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે , પણ જરા , આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો . આ એક એવી યુવતી છે , જે તમારા જેટલું જ ભણેલી છે , અને લગભગ તમારા જેટલું જ કમાય છે . એને પણ તમારાં જેવાં જ સપનાં – આકાંક્ષાઓ છે , કારણ કે , એ પણ તમારા જેવી જ ‘ મનુષ્ય ‘ છે . એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો , કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી . એક એવી ‘ સિસ્ટમ ’ સાથે એ લડી રહી હતી , જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી .

એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20 – 25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે , જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો . આ એ સ્ત્રી છે , જે પોતાનું ઘર , પોતાનાં સ્વજનો , બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર , તમારું કુટુંબ , તમારી જીવનશૈલી , અરે , તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે . પ્રથમ દિવસથી જ , એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ , નવી પરિસ્થિતિ , વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો . એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે . એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય , ને છતાંય – એક નોકર , એક રસોઈયણ , એક માં , એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે , એવી આશા રખાય . તમે એની પાસેથી શું ઈચ્છો છો , એ વાત – તમારી જેમ જ એ પણ જાણતાં શીખી રહી છે .

એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય , તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે . એને પણ પોતાનું મિત્ર – વર્તુળ છે , જેમાં છોકરાઓ પણ છે , અને કામને સ્થળે પુરુષો પણ છે . એ મિત્રોને એ નાનપણથી જાણે છે , છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે , જેથી તમારી તર્કહીન અદેખાઈ , બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં . હા , એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી – ગાઈ શકે છે , પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ , કેમ કે તમને જ નહિ ગમે . કામના સ્થળે કોઈ વાર સમય મર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે . એના જીવનના , તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે . બસ , જો તમે એનામાં વિશ્વાસ મૂકો , એને થોડી મદદ કરો તો . . . તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ , તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે , તમારો પૂરતો ટેકો , તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી , એટલે કે તમારો પ્રેમ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *