સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે અેવી અેક સાચી કહાની વાંચીને શેર કરો

0
187

સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે !

ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતીકામ કરતા જેરાજભાઈ ડાકાનું 1992ની સાલમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું. 3 દીકરીઓ અને એક દીકરાના ઉછેરની જવાબદારી જેરાજભાઈના પત્ની અનશોયાબેન પર આવી પડી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી સંભળવાની અને સાથે સાથે 4 નાના બાળકોનો ઉછેર કરવાનો.

આવા સંજોગોમાં માણસ પડી ભાંગે પરંતુ મજબૂત મનોબળની આ મહિલાએ કારમા આઘાતને પચાવીને ખેતી અને બાળકો બંનેને સંભાળી લીધા. વહેલી સવારે જાગી જાય અને મોડી રાત સુધી તનતોડ મહેનત કરે. ખેતરમાં વાવેલા પાકને પાણી પાવા જવાનું હોય ત્યારે ઘણીવખત રાતના સમયે પણ ખેતરે જવાનું થાય. કોઈ મહિલા રાત્રે ઘરથી બહાર નીકળતા પણ ગભરાય અને અનશોયાબેન ભગવાનનું નામ લેતા લેતા અભય બનીને રાત્રે ખેતરમાં પાણી વાળતા હોય.

અનશોયાબેનનું એક જ સપનું હતું કે ચારે સંતાનોને ખૂબ ભણાવવા છે. શિક્ષણથી જ જીવનનો ઉદ્ધાર થાય એવું દ્રઢપણે માનતા અનશોયાબેન ઓછું ભણેલા પરંતુ સંતાનોને પોસ્ટગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરાવ્યો. અનશોયાબેનના સંતાનો કહે છે કે અમે અમારી માને સુતા નથી જોઈ કારણકે રાત્રે અમે સુઈ જઈએ ત્યારે પણ એ કામ કરતી હોય અને સવારે જાગીએ ત્યારે પણ એ કામ કરતી હોય.

જેરાજભાઈનું અવસાન થયું ત્યારે દીકરા હિતેશની ઉમર માત્ર 2 વર્ષની જ હતી. અનશોયાબેન દીકરાને લાડ લડાવતા ઘણી વખત કહેતા કે તને મોટો એન્જીનીયર સાહેબ બનાવવો છે. હિતેશ પણ માતાનું સપનું પૂરું કરવા માટે દિલ દઈને અભ્યાસ કરતો. ધો.12 પૂરું કરીને માતાનું સપનું સાકાર કરવા એણે મિકેનિકલ એન્જીનીયરીંગ જોઈન કર્યું. ભણવાની સાથે સાથે હિતેશ પણ માતાને કામમાં મદદ કરે. રજા કે વેકેશનમાં ઘરે આવે ત્યારે ખેતીનું બધું જ કામ કરે.

એન્જીનીયરીંગ પુરૂ થતા હિતેશને ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. અનશોયાબેને દીકરીઓને ભણાવી-ગણાવી સાસરે વળાવી અને હિતેશને પરણાવીને વહુ પણ ઘરે લાવ્યા. આ પરિવારમાં વહુ બનીને આવેલી ભૂમિ પણ સમજુ અને ડાહી દીકરી એટલે સાસુને મા કરતા પણ વિશેષ સાચવે અનશોયાબેન પણ દીકરાને રામ અને વહુને સીતા કહીને બોલાવે.

હિતેશે લગ્ન પછી સરકારી નોકરી મેળવવા માટે જીપીએસસીની તૈયારી ચાલુ કરી. ધાર્યું પરિણામ ન મળે અને નિરાશા ઘેરી વળે ત્યારે પત્ની ભૂમિ હિતેશને હિંમત આપે. માત્ર પત્ની જ નહીં પણ દોસ્ત બનીને સાથ આપે અને હિતેશ ફરીથી તૈયારીમાં લાગી જાય. ગુજરાત સરકારના નર્મદા અને જળસંપતિ વિભાગમાં ક્લાસ-1 અધિકારીની ભરતી આવી. હિતેશે નક્કી કર્યું કે મારે આ જગ્યા માટે પરીક્ષા આપવી છે.

આખા ગુજરાત રાજ્યમાંથી માત્ર 3 જ વ્યક્તિને પસંદ કરવાની હતી. લોકો તો એવી વાતો કરે કે ક્લાસ 1 અધિકારી એમ ન બનાય એના માટે મોટી ઓળખાણ જોઈએ અને મોટી લાંચ પણ આપવી પડે. ગામડાના ખેડૂત પરીવારની સામાન્ય વિધવાબેનની એવી ઓળખાણ કે પહોંચ તો ક્યાંથી હોય ! પરંતુ હિતેશને જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબની પારદર્શક પસંદગી પ્રક્રિયા પર વિશ્વાસ હતો. લોકો ભલે ગમે તેમ વાતો કરે પણ જો મારી મહેનત અને લાયકાત હશે તો નોકરી મને મળશે જ એમ માનીને હિતેશ તૈયારીમાં લાગી ગયો. તેની સાથે માના આશીર્વાદ અને પત્નીનો સાથ હતો.

3 દિવસ પહેલા જ જીપીએસસીની પરીક્ષાનું પરિણામ આવ્યું અને હિતેશ ડાકા માત્ર સિલેક્ટ થઈ ગયો એટલું જ નહીં આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો. હિતેશ પોતાની સફળતા વિશે વાત કરતા કહે છે કે “GPSCએ છેવાડા ના વ્યક્તિ સુધી પારદર્શકતા નો વિશ્વાસ કાયમ કર્યો છે ( चयनं सत्त्व शीलानाम् ) વિદ્યાર્થી મિત્રો ને સફળતા માટે એટલુજ કહીશ કે માતા પિતા ના આશીર્વાદ, પોતાના પર વિશ્વાસ અને સ્વામી વિવેકાનંદજી નું વાક્ય ” ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”.નિષ્ફળતા તો અનેક આવશે જ પણ જો તે નિષ્ફળતા ને તમે સફળતાની સીડી નું પગથિયું બનાવી દેશો તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ થશે જ. એટલે જેટલી જાજી નિષ્ફળતા તેટલી મોટી સિદ્ધિ.બસ સાચી દિશામાં અને યોગ્ય માર્ગદર્શન થકી ખુબ ધીરજ સાથે મહેનત કરો, સફળતા આપની રાહ જુએ છે.’

અનશોયાબેનના સમર્પણ, ભૂમિબેનના સાથ અને હિતેશભાઈના પુરુષાર્થને વંદન સાથે અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here