પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો.. વાત સાચી લાગે તો મિત્રો સાથે શેર કરો

0
255

પ્રિય પપ્પા…….., 

મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના

પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.

પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.

પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.      

મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.

પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.
પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી.

એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?

પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.

પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.

પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.

આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here