કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા

0
238

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા

યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે છે. ?”
શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન ! એકાગ્રચિત થઇને આ પ્રાચિન કથા સાંભળો કે જેને રાજા દિલિપના પૂછવાથી વસિષ્‍ઠજીએ કહી હતી.” રાજા દિલીપે પૂછયું : “મુનિશ્રેષ્‍ઠ ! હું એક વાત સાંભળવા ઇચ્‍છું છું. ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે છે.?” વશિષ્‍ઠજી બોલ્‍યાઃ “રાજન ! ચૈત્રમાસના શુકલ પક્ષમાં “કામદા” નામની એકાદશી આવે છે. એ પરમ પૂણ્યમયી છે. પાપરુપી બળતણ માટે તો એ દાવાનળ જ છે.”પ્રાચીન કાળની એક વાત છે. નાગપૂર નામનું એક સુંદર નગર હતું કે જયાં સોનાના મહેલો બનેલા હતાં. એ નગરમાં પુંડરિક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતાં. પુંડરિક નામનો રાજા એ દિવસોમાં ત્‍યાં રાજય કરતો હતો. ગંધર્વ કિન્‍નર અને અપ્‍સરાઓ પણ એ નગરમાં વાસ કરતી હતી. ત્‍યાં એક શ્રેષ્‍ઠ અપ્‍સરા હતી, કે જેનું નામ લલીતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તેઓ બંને પતિ-પત્‍નીના રુપમાં રહેતા હતા. બંને પરસ્‍પર કામથી ગ્રસ્‍ત રહેતા. લલીતાના હદયમાં સદાય પતિની મૂર્તિજ વસેલી રહેતી હતી.અને લલીતના દિલમાં સુંદરી લલીતાનો જ નિત્‍ય નિવાસ હતો.એક દિવસની વાત છે. નાગરાજ પુંડરિક રાજસભામાં બેસીને મનોરંજન માણી રહ્યાં હતાં. એ વખતે લલીત ગીત ગાઇ રહ્યો હતો. પરંતુ એનસ સાથે એની વ્‍હાલી લલીતા ન હોતી. ગાતાં ગાતાં એને લલીતાનું સ્‍મરણ થઇ આવ્‍યું.આથી એના પગની ગતિ રોકાઇ ગઇ, અને જીભ થોથવાવા લાગી.

નાગજાતિના શ્રેષ્‍ઠ કર્કોટકને લલીતના મનમાં ચાલતા સંતાપની જાણ થઇ ગઇ. આથી એણે રાજા પુંડરિકને એના પગની ગતિ રોકાઇ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત કરી. કર્કોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરિકની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ. એણે ગાતા કામાતુર લલીતને શ્રાપ આપ્‍યો. “દૂષ્‍ટ ! તુ મારી સમક્ષ ગાતી વખતે પણ પત્‍નીને વશીભુત થઇ ગયો. માટે રાક્ષસ બની જા.” મહારાજ પુંડરિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ, વિકરાળ આંખો અને જાવા માત્રથી જ ભય ઉન્‍પન્‍ન થઇ જાય એવું રુપ, આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્‍યો.
લલીતા પોતાના પતિની વિકાળ આકૃતિ જોઇને મનમાં ઘણીજ ચિંતિત થઇ. ઘણા જ દુઃખથી એ કષ્‍ટ પામવા લાગી. “શું કરું ? કયાં જાઉ ? મારા પતિ શ્રાપથી કષ્‍ટ પામી રહ્યા છે!” એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં અને એક સુંદર આશ્રમ દેખાયો, કે જયાં એક મુનિ શાંત બેઠા હતાં. કોઇપણ પ્રાણી સાથે એમનો વેર-વિરોધ ન હતો. લલિતા તરત ત્‍યાં ગઇ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી. મુનિ ઘણાં દયાળુ હતા. એ દુઃખી નારીને જોઇને તેઓ બોલ્‍યાઃ “હે કન્‍યા ! તું કોણ છે ? કયાથી આવી છે ? મને સત્‍ય કહે ! ”
લલીતાએ કહ્યું : “હે મહામુનિ ! વીરધન્‍વા નામના એક ગંધર્વ છે. હું એજ મહાત્‍માની પુત્રી છું. મારુ નામ લલીતા છે. મારા પતિ એમના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્‍થા જોઇને મને ચેન નથી, મહારાજ ! અત્‍યારે મારું જે કર્તવ્‍ય હોય એ મને કહો. વિપ્રવર ! જે પૂણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુકિત મેળવે એવો મને ઉપદેશ આપો !” ઋષિ બોલ્‍યાઃ “ભદ્રે ! આ વખતે ચૈત્ર માસની શુકલ પક્ષની “કામદા”એકાદશી તિથિ છે કે જે બધાજ પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે. તું એનું જ વિધિપૂર્વક વ્રતકર. અને આ વ્રતનું જે પૂણ્ય થાય એ તારા પતિને અર્પણ કર ! પૂણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રામનો દોષ દૂર થઇ જશે.”

“રાજન ! મુનિના આ વચનો સાંભળીને લલીતાને ઘણો આનંદ થયો. એણે એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ બ્રહ્મ‍ર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉધ્‍ધાર માટે આમ કહ્યું : “મે જે આ કામદા એકાદશીના ઉપવાસ અને વ્રત કરેલ છે, એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય!”
વશિષ્‍ટજી કહે છે “લલીતાના આમ કહેવા માત્રથી એજ ક્ષણે લલીતના પાપો દૂર થઇ ગયા. એણે દિવ્‍ય દેહ ધારણ કરી લીધો. એનો રાક્ષસ ભાવ દૂર થઇ ગયો, અને ફરીથી ગંધર્વત્‍વની પ્રાપ્‍તી ગઇ.”“નૃપશ્રેષ્‍ઠ ! એ બંને પતિ-પત્‍ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલા કરતા પણ વધારે સુંદર રુપ ધારણ કરીને ીવમાન પર આરુઢ થઇને અત્‍યંત શોભાયમાન થવા લાગ્‍યા. આ જાણીને એકાદશીનું વ્રત પ્રયત્‍ન પૂર્વક કરવું જોઇએ.”“મે લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. રાજન ! આને વાંચવાથી અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here