September 28, 2020
Breaking News

અંબાજી અકસ્માતમાં ક્યાંક માતા-પિતા નોધારા બન્યા તો ક્યાંક પતિ-પત્ની વિખૂટા થયાં તમામ ઘરોમાં સાંજની રસોઇ બનાવવા માટે ચુલા સળગ્યા ન હતાં

ત્રિશુળીયા ઘાટ પર ચાલકની બેદરકારીથી બસ બે પલટી ખાઈ જતાં કુલ 22ના મોત નીપજ્યા જેમાં 19 આણંદ જિલ્લાના છે

અંબાજી અકસ્માતમા રવિવારે ખુશખુશાલ નીકળ્યા, મંગળવારે દેહ આવ્યા, ક્યાંક માતા-પિતા નોધારા બન્યા તો ક્યાંક પતિ-પત્ની વિખૂટા થયાં

ત્રિશૂળિયાના ઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં કુલ 22 લોકોના મોત નીપજ્યા હતા. 50થી વધુ લોકો ઈજા પામ્યા હતા. 22માંથી 19 મૃતકો આણંદજિલ્લાના આંકલાવ અને બોરસદ પંથકના હતા. બાકીના ત્રણમાંથી એક આલોકકુમાર રામઅવતાર (ઉ.વ. 23) રહેવાસી હસનપુર ઉત્તરપ્રદેશના હતા. જ્યારે બીજા ચેતનાબેન જયમીનભાઈ પટેલ (ઉ.વ. 48) નામના મહિલા સુરત જિલ્લાના પુના ગામના રહેવાસી છે. ત્રીજી વ્યક્તિ કોઈ અજાણ્ય પુરુષ હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. આ ત્રીજી અજાણી વ્યક્તિનો મતૃદેહ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આંકલાવ: આંકલાવ, બોરસદ તથા આસપાસના ગામોના 70થી વધુ મુસાફરો રવિવારે રાત્રે અંબાજી દર્શનાર્થે નીકળ્યા હતાં. સોમવારે સાંજે તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે ત્રિશુળીયા ઘાટ પર ચાલકની બેદરકારીથી બસ બે પલટી ખાઈ જતાં કુલ 22ના મોત નીપજ્યા જેમાં 19 આણંદ જિલ્લાના છે. જેમના મૃતદેહોને મંગળવારે વતન લવાયા હતાં. બનાવામાં 50થી વધુને ઇજા થઇ હતી. મૃતકોમા આંકલાવ તાલુકાના ખડોલ (હ)ના 6, આણંદ તાલુકાના સુદણના 3, આંકલાવના 1, કહાનવાડી, અંબાવ, અંબાલીના 1-1 મુસાફરો હતા. જ્યારે બોરસદ તાલુકાના પામોલ, દાવોલના 2-2, કસુંબાડના 1, ઉમરેઠના 1 મુસાફરો હતા.

સમગ્ર ગામમાં તમામ ઘરોમાં સાંજની રસોઇ બનાવવા માટે ચુલા જ સળગ્યા ન હતાં

ખડોલ(હ) ગામેથી અંબાજી દર્શનાર્થે ગયેલી લકઝરીબસને થયેલા અકસ્માતની જાણ સોમવાર સાંજે ગામમાં થતાં ગ્રામજનોમાં શોક છવાઇ ગયો હતો. સમગ્ર ગામમાં તમામઘરોમાં સાંજની રસોઇ બનાવવા માટે ચુલા જ સળગ્યા ન હતાં. ગ્રામજનો આખી રાત શોક મગ્ન અવસ્થામાં વિતાવી હતી. અને મંગળવારે સવારે મૃતદેહો ગામમાં આવવાના હોઇ જેથી ગ્રામજનો અને સગા-સંબંધીઓના ટોળે ટોળા એકત્રીત થઇ ગયાં હતાં.ે ગ્રામજનોએ મંગળવારે તમામ કામકાજ પડતાં મુકીને મૃતકોના પરિવારજનો ઘરે જઇને સાંત્વના પાઠવી હતી.

આણંદના સુદણ ખાતે રહેતો રવિન્દ્ર સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.14) અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. માતા વિદ્યાબહેન, બહેન મિત્તલ, દાદી જશોદાહેન અને ફોઇના છોકરાં હિતેશ સાથે પ્રવાસે ગયો હતો. માતા અને બહેનનો બચાવ થયો હતો. પરંતુ રવિન્દ્ર અને તેના દાદી જશોદાબહેન મૃત્યુ પામ્યા હતા. રવિન્દ્ર અભ્યાસમાં તેજસ્વી હોવાથી તેના પિતાના અરમાનો અધુરાં રહ્યા.

જાહન્વી સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.8) માતા-પિતા, દાદા-દાદી સારવારમાં હોવાથી લાડલીના દર્શન ન કરી શક્યાં

પિતા સાથે ગયેલા પુત્રે પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

પામોલના રમેશભાઈ તેમની સાથે તેમના પુત્ર કાર્તિક રમેશભાઈ ઠાકોર (ઉ.વ.12)ને પણ સાથે લઇ ગયાં હતાં. તેઓ માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા, પરંતુ દર્શન કરી પરત ફરતા સમયે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. કાર્તિક ધો.7માં અભ્યાસ કરતો હતો. મંગળવારે સવારે પિતા-પુત્રના મૃતદેહો કોઠીયાપુરા ખાતે લાવતા પામોલ સહિત આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી પડ્યાં હતાં.

બોરસદના કસુંબાડમાં 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરેશભાઈ કનુભાઈ ચૌહાણ (ઉ.વ.37)

બોરસદ તાલુકાના કસુંબાડના સુરેશભાઈ કનુભાઈ ચૌહાણ (ઉ.વ.37)ના પરિવારમાં માતા-પિતા, પત્ની, નાનો ભાઈ અને 2 પુત્રો છે. સુરેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. નવરાત્રીને લઇ બસના આયોજન અંગે ખબર પડતા એકલા જ બસમાં અંબાજી ખાતે દર્શન કરવા ગયાં હતાં. જોકે, મંગળવારે તેઓનું શબ ઘરે લાવતા તેઓના માતા-પિતા અને પત્ની ભાંગી પડ્યા હતા.

5 વર્ષની માનતા, 5મી વખત દર્શન કરી પરત ફરતાં જીવ ગુમાવ્યો

કિશનકુમાર સોમાભાઈ ગોહેલ (ઉ.વ.19)

દાવોલના આથમણી વડી વિસ્તારમાં રહેતા કિશનકુમાર સોમાભાઈ ગોહેલ (ઉ.વ.19)ને 5 વર્ષ માતાજીના દર્શનની માનતા હતાં. જોકે, 5મી વખત પરત ફરતાં જ તેઓ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. આ અંગે તેમના પિતા સોમાભાઈ ગોહેલે જણાવ્યું કે, મોટો પુત્ર કિશનકુમાર સોમાભાઈ ગોહેલ (ઉ.વ.19) હતો. હાલ તે શાકભાજીનો ધંધો કરી પરિવારને મદદરૂપ બનતો હતો. હજુ 3 માસ અગાઉ જ તેના લગ્ન થયાં હતાં.

ખડોળ (હ)ના પરા શાભઇપુરા ખાતે રહેતા રાવજીભાઈ હિંમતભાઈ પઢીયાર (ઉ.વ.48) તેમની સાસરીમાં રહેતા હતાં. તેઓ ઘણા સમયથી ધાર્મિક પ્રવાસ માટે બસ ઉપાડતાં હતાં. આંકલાવ તાલુકાના ગામોના ક્ષત્રિય સમાજના ઘણાં પરિવારો તેમના સંપર્કમાં હતાં. આથી, તેમની બસમાં આસપાસના તમામ ગામોના લોકો દર વરસે જોડાતાં હતાં. તેઓએ આણંદથી બસ નક્કી કરીને અંબાજી ખાતે લઇ ગયાં હતાં.

ઉમરેઠના જાવેદ ફકીરમહંમદ કલર કામનો વ્યવસાય કરે છે. પરંતુ સતત વરસાદને કારણે કલરનું કામ બંધ હોવાથી રોજગારી માટે તેઓએ મિત્રની મારફત અંબાજી જતી બસમાં રસોયાના હેલ્પર તરીકે કામ સ્વીકાર્યું હતું. બસમાં રસોયા ઉપરાંત 2 હેલ્પર કેબીનમાં બેસી મુસાફરી કરતા હતાં. જેમાં જાવેદ ફકિરમહંમદ પણ હતો. જાવેદે જીવ ગુમાવ્યો હતો. જેને કારણે 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

હજુ શાળા પણ જોઈ નહતી અને દુનિયા છોડી દીધી

ધ્રુવલ રાજેશભાઈ સોલંકી (ઉ.વ.4)

માતા – પિતા અને કૌટુંબીક કાકી સાથે લકઝરી બસમાં અંબાજીના દર્શને ગયો હતો. હજુ તો તે સ્કૂલમાં પણ પગ મુક્યો નહતો. ત્યાં તેણે અક્ષરધામમાં જવુંપડ્યું છે. તેના માતા – પિતા બન્ને ઇજાગ્રસ્ત છે. કૌટુંબીક કાકી નયનાબહેનનું મોત નિપજ્યું છે. જ્યારે તેનો મોટો ભાઇ મીત પણ ઇજાગ્રસ્ત છે. આમ, એક જ પરિવારના પાંચ વ્યક્તિ દર્શન કરવા ગયાં હતાં.

લગ્ન કર્યેને દોઢ વર્ષ થયું છે અને પત્ની સગર્ભા છે

આંકલાવમાં રહેતા ધવલકુમાર રમેશભાઈ પટેલ (ઉ.વ.30) આસપાસના ગામોમાં રહેતા તેમના મિત્રો સાથે અંબાજી દર્શન કરવા ગયાં હતાં. તેમની માતાને લકવા થયો છે, પિતા પણ બિમાર છે અને તેઓ એકાએક પુત્ર હતાં. તેમની પત્ની સગર્ભા છે. તેને લગ્ન કર્યે હજુ માત્ર દોઢ વરસ જેટલો જ સમય થયો હતો અને તેમનું અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે. તેની સગર્ભા પત્નીએ આધારસ્તંભ ગુમાવ્યો છે.

શંભુભાઈ રમેશભાઈ જાદવ (ઉ.વ.30) તે અપરણિત હતો. તે ખેતમજુરી કામ કરતો હતો. તે નવરાત્રિ દરમિયાન અંબાજીના દર્શન કરવાની તેની પ્રબળ ઇચ્છા હોવાથી તે આ પ્રવાસમાં જોડાયો હતો. ખડોળ (હ)ના રાવજીભાઈ પઢીયારે અંબાજી પ્રવાસનું આયોજન કર્યું હતું. તેઓના સંપર્કમાં શંભુભાઈ હોવાથી સાથે ગયાં હતાં.

આણંદના સુદણમાં મોસાળમાં રહેતો હિતેશ સંજયભાઈ પઢિયાર (ઉ.વ.15) ક્યારેય પ્રવાસમાં જતો નહતો. તે પ્રથમવાર જ તેના નાની અને મામી, પિતરાઇ ભાઈ સાથે અંબાજી ગયો હતો. તેની માતાનું 2006માં અવસાન થયું હતું. ત્યારથી તે તેના નાના રામભાઈ ગોહેલના ઘરે રહી અભ્યાસ કરતો હતો. તેના મૃત્યુના સમાચારની જાણ થતાં તેના પિતા આવીને મૃતદેહ લઇ ગયાં હતાં.

ખડોળ (હ)ના ચંદુભાઈ ફતેસિંહ જાદવ (ઉ.વ.55) ખેત મજુરી કરી જીવન ગુજારતાં હતાં. બસ સંચાલક રાવજીભાઈ તેમના બનેવી થતાં હતાં અને તેઓ પણ શાભઇપુરામાં રહેતાં હતાં. તેમના બનેવીએ બસ ઉપાડી હોવાથી તેઓ પણ આ પ્રવાસમાં જોડાયાં હતાં. તેમની સાથે ખડોળ (હ)ના આસપાસના ગામના સ્વજનો પણ જોડાયાં હતાં. તેમના મૃત્યુથી પરિવારે મોભી ગુમાવ્યો હતો.

આંકલાવ તાલુકાના કહાનવાડી ખાતે પંકજકુમાર પુનમભાઈ પઢીયાર (ઉ.વ.18) રહે છે. પ્રવાસનું આયોજન કરનારા રાવજીભાઈના કુટુંબી ભત્રીજો થાય છે. તેમના કાકાએ ટુરનું આયોજન કરેલું હોવાથી તેઓ પણ આ પ્રવાસમાં જોડાયાં હતાં. તેમના અપંગ પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. પંકજભાઈ ઉત્તરસંડા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતાં હતાં.

આણંદના સુદણ ગામે રહેતા જશોદાબહેન રમાભાઈ ગોહેલ (ઉ.વ.60) તેમના પૌત્ર, ભાણેજ, પુત્રવધુ અને પૌત્રી સાથે અંબાજી પ્રવાસે ગયાં હતાં. હજી એક દિવસ પહેલા જ તેઓ કચ્છ ખાતે માતાજીના મઢના દર્શન કરી પરત ફર્યાં હતાં. બીજા દિવસે જ તેઓ અંબાજી ગયાં હતાં. તેમના પતિએ તેમની સાથે પ્રવાસે જવાની ના પાડી હતી. જશોદાબહેનની સાથે તેમનો પૌત્ર અને દોહિત્ર સાથે અંતિમ પ્રવાસ બન્યો હતો.

અંબાલી ખાતે રહેતા કિશનકુમાર મંગળભાઈ પઢીયાર (ઉ.વ.26) નંદેસરી ખાતે નોકરી કરે છે. તેઓના પરિવારમાં એક પાંચ વર્ષનો પુત્ર છે, જ્યારે સગર્ભા પત્ની છે. આ અકસ્માતમાં તેઓ મૃત્યુ પામતાં પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનામાં પરિવારના મોભીએ જીવ ગુમાવતાં પરિવાર શોકમગ્ન બન્યું. પાંચ વર્ષના પુત્રે પણ પિતા ગુમાવ્યો હતો.

ખડોળ (હ)માં રહેતા નયનાબહેન કનુભાઈ સોલંકી (ઉ.વ.60) તેમના બાજુમાં રહેતા કૌટુંબીક સગાં રાજેશભાઈના પરિવાર સાથે અંબાજી દર્શનમાં જોડાયાં હતાં. તેઓ કૌટુંબીક સગા આનંદબહેન, રાજેશભાઈ, ધ્રુવ અને મીત સાથે હતાં. અકસ્માત થતાં તેમની સાથે ભત્રીજો ધ્રુવનું પણ મૃત્યું થયું હતું. જ્યારે બાકીના કૌટુંબીક સભ્યો ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *